નવું વર્ષ આવી ગયું છે તમારી ઘરે નવું કેલેન્ડર પણ આવી ગયું હશે. આવ્યું છે કે નહીં? અચ્છા તો ચાલોને આજે કેલેન્ડરની જ વાત કરી લઈએ. ભારતમાં વિક્રમ સંવત, શક સંવત, હિજરી સંવત અને અંગ્રેજી કેલેન્ડરને ફોલો કરવામાં આવે છે. ભારતમાં શક સંવત કેલેન્ડર વપરાય છે, જ્યારે ગુજરાતમાં વિક્રમ સંવત કેલેન્ડર વપરાય છે. વિશ્વમાં અંગ્રેજી કેલેન્ડર વાપરવામાં આવે છે, જુલિયન કેલેન્ડરમાં લીપ યરની ગણતરીમાં લોચા હતા એટલે પછી અંગ્રેજી કેલેન્ડર ફેમસ થઈ ગયું. ચાલો આપણે એક પછી એક વિવિધ કેલેન્ડર વિશે જાણીએ….
ઈસુનો જન્મ એટલે વર્ષ ઝીરો અને ત્યાર પછીના વર્ષો…..
પહેલા તો તમારે એક વસ્તુ સમજવી પડે. એક આંકડો મગજમાં બેસાડવો પડશે. ચાલો ધારી લો કે તમારી પાસે ઝીરો છે. આ ઝીરો એટલે ઈસુનો જન્મ થયો ત્યારનો સમય. તે પછીનો જેટલો સમય છે તે વધતો જાય છે અને હાલ પણ વધી રહ્યો છે. અને ઈસુના જન્મ પહેલાનો જેટલો સમય છે તે ઘટતો જશે. એટલે કે તમે જોયું હશે કે સમ્રાટ અશોક જનમ્યા હશે તે વર્ષ વધારે હશે અને મર્યા હશે તે ઓછું. આવું કેમ થાય? આવું એટલા માટે કારણ કે અશોક ઈસુના જન્મ પહેલા થઈ ગયા હતા. એટલે કે અશોકનો જન્મ થયો ત્યારથી ઝીરો સુધી પહોંચવા વર્ષ ઘટી રહ્યા છે. ચાલો હવે શક સંવત સમજવામાં તમને સરળ રહેશે.
શક સંવત
શક સંવત ઈસુના જન્મના 78 વર્ષ પહેલા શરૂ થયું હતું. એટલે કે આ કેલેન્ડર ઈસુથી પણ 78 વર્ષ જૂનું છે. શકોએ કુષાણ વંશનો નાશ કર્યો ત્યારથી પોતાની જીતની ખુશીમાં શક સંવતની શરૂઆત કરી હતી. ઘણા ઈતિહાસકારોનું માનવું છે કે સાતવાહન વંશના શાલિવહને શક સંવતની શરૂઆત કરી હતી. આ સંવતને આપણે ભારતમાં 1957માં સ્વીકારી ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર જાહેર કર્યું હતું. શક કેલેન્ડરમાં 12 મહિના હોય છે અને કુલ 365 દિવસ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ભારત જ નહીં પણ નેપાળ, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં પણ શક સંવત કેલેન્ડર વાપરવામાં આવે છે. કારણ કે આપણા ઘણા રાજાઓએ આ વિસ્તારોમાં રાજ કર્યું હતું.
વિક્રમ સંવત
ઘણા ઈતિહાસકારોનું માનવું છે કે ઉજ્જૈનના ગુપ્ત રાજા વિક્રમાદિત્ય બીજાએ શકોને હરાવી અને વિક્રમ સંવતની શરૂઆત કરી હતી. વિક્રમાદિત્ય બીજાએ શકોનો નાશ કર્યો હતો આથી તેને શકારી પણ કહેવાયો હતો. આ કેલેન્ડર ઈસુના જન્મના 57 વર્ષ પછી શરૂ થયું હતું. આ કેલેન્ડરમાં 12 મહિના હોય છે અને કુલ 354 દિવસ હોય છે. આ કેલેન્ડરનો પશ્ચિમ બંગાળને છોડીને ભારતના મોટા ભાગમાં ઉપયોગ થાય છે. ગુજરાતમાં વિક્રમ સંવતને ફોલો કરવામાં આવે છે. કાર્તિક મહિનાથી આ કેલેન્ડરની શરૂઆત થાય છે અને ફુલ મૂન (પૂનમ)થી નવો મહિનો શરૂ થાય છે. એક મહિનાને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલા 15 દિવસને શુક્લ પક્ષ કહેવાય છે અને બીજા 15 દિવસને કૃષ્ણપક્ષ કહેવાય છે. આ કેલેન્ડરની રસપ્રદ વાત એ છે કે વિક્રમ સંવતના દર પાંચ વર્ષમાંથી ત્રીજા અને પાંચમા વર્ષે 13 મહિનાનું વર્ષ હોય છે. બાકી પહેલું, બીજુ અને ચોથું વર્ષ 12 મહિનાનું હોય છે.
અંગ્રેજી કેલેન્ડર
આમ તો આના વિશે આપણે વાત ના કરીએ તો પણ ચાલે કારણ કે આપણે બધા આ જ કેલેન્ડર વાપરીએ છીએ. મોટી ઉંમરના ગામડાના લોકો વિક્રમ સંવતને માનતા હોય છે અત્યારની યુવા પેઢી અંગ્રેજી કેલેન્ડરને ફોલો કરતા હોય છે. વર્ષ 1582માં આ કેલેન્ડરને બહાર પાડવામાં આવ્યું હતું. આ કેલેન્ડર ક્રિશ્ચન ધર્મના સ્થાપક જીસસ ક્રાઈસ્ટના જન્મ પર આધારીત છે. આ વર્ષ પહેલી જાન્યુઆરીથી શરૂ થાય છે અને 31 ડિસેમ્બરે પૂરું થાય છે. આ કેલેન્ડરમાં 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકેન્ડ હોય છે.