ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ખરાખરીનો રાજકીય માહોલ જામ્યો છે. રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ ટિકિટ ન મળતા ભાજપથી નારાજ કેસરીસિંહ AAPમાં જોડાયા હતા. જોકે 48 કલાકમાં જ તેમણે ફરી ગુલાંટ મારી છે અને ફરી પાછા ભાજપમાં જોડાઈ ગયા છે. આટલું જ નહીં તેમણે પોતાના સોશિયલ મીડિયા પર ભાજપને સમર્થન કરતી પોસ્ટ પણ કરી છે.

ગુરુવારે જ AAPમાં જોડાયા હતા કેસરીસિંહ
ખાસ વાત એ છે કે, ગુરુવારે રાત્રે જ AAPમાં જોડાનારા કેસરીસિંહને ગઈકાલે જ પાર્ટીએ મહિપતસિંહની ટિકિટ કાપીને માતરની બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે તેમણે ગણતરીના કલાકોમાં જ ફરી ભાજપને સમર્થન કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જેમાં તેઓ ભાજપનો ખેસ પહેરેલા દેખાય છે, જ્યારે એક તસવીરમાં દેવુસિંહ ચૌહાણ સાથે ઊભેલા છે.
બીજી તરફ AAP દ્વારા ગઈકાલે મહિપતસિંહની ટિકિટ કાપવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે રોષ તથા નારાજગી જોવા મળી રહી હતી. જોકે AAPએ જે કેસરીસિંહને ટિકિટ આપવા માટે પોતાના જ પગ પર કુહાડી મારી હોય તેવો ઘાટ સર્જાયો છે.
સરીસિંહે એક દિવસમાં પાછા ભાજપમાં આવી ગયા
ખેડા જિલ્લાની માતર બેઠક પરથી ભાજપે સીટીગ MLA કેસરીસિંહ સોલંકીની બાદબાકી કરી છે અને નવા ઉમેદવાર કલ્પેશભાઈ પરમારને મેદાનમા ઉતાર્યો છે. તેવામાં સીટીગ ધારાસભ્ય નારાજ થયા હતા અને તેમણે એકાએક ભાજપ પક્ષ સાથેથી છેડો ફાડી કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, હજુ આ ઘટનાને માંડ 39 કલાક વિત્યા છે, ત્યાં કેસરીસિંહે પાછો યુટર્ન મારી દીધો છે અને પુનઃ ભાજપ પક્ષ સાથે હોવાનો સંકેત પોતાના ફેસબુક પેજ મારફતે આપ્યો છે.