અત્યાર સુધી તમે કોઇ માણસને રીટાયરમેન્ટ બાદ પેન્શન મળતું હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ હવે વૃક્ષોને પણ પેન્શન મળશે. જી હાં, હરિયાણા સરકારે આ માટે પ્રાણ વાયુ દેવતા યોજનાની શરૂઆત કરી છે. જે અંતર્ગત 75 વર્ષથી વધારે જૂના વૃક્ષોને 2500 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે. આ રકમ વૃક્ષના કેર ટેકરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા વૃક્ષોના સંરક્ષણ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી છે, જેના દ્વારા તમે લાભ મેળવી શકો છો.
આ યોજના વર્ષ 2021માં શરૂ કરી
હરિયાણા સરકારે જમીન વગરના ખેડૂતોની આવક વધારવા માટે આ યોજના વર્ષ 2021માં શરૂ કરી છે. જેનો અમલ હવે શરૂ થયો છે. આ યોજના દ્વારા સરકાર વૃક્ષોને કપાતા અટકાવવા અને હવાની ગુણવત્તા સુધારવાના પ્રયાસો કરી રહી છે.
કયા વૃક્ષોને મળશે પેન્શન
આ યોજના અંતર્ગત 75 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વૃક્ષોને સામેલ કરવામાં આવશે. જેમાં નાના ખેડૂતો અને મજૂરોને જોડવામાં આવશે, જેથી તેઓ ખાલી સમયમાં વૃક્ષોની સારસંભાળ રાખી પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપે અને બદલામાં પૈસા પણ કમાઇ શકે છે. જમીન વિહોણા, ગરીબ અને નાના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
હરિયાણાના વન અને પર્યાવરણ મંત્રી
હરિયાણાના વન અને પર્યાવરણ મંત્રી કંવર પાલે જણાવ્યું કે, લોકોમાં વૃદ્ધાવસ્થા સન્માન પેન્શન યોજનામાં વૃદ્ધિની સાથે દર વર્ષે આ પેન્શન રાશિ પણ વધારવામાં આવશે. આ યોજના અંતર્ગત પડી ગયેલા વૃક્ષો, નબળા, મૃત, સૂકાયેલ અને રોગગ્રસ્ત વૃક્ષોને સામેલ નહીં કરવામાં આવે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં ઉભેલા વૃક્ષોનો સમાવેશ પણ નહીં કરવામાં આવે.
આ દસ્તાવેજો છે આવશ્યક
આ દસ્તાવેજો છે આવશ્યક_ હરિયાણાના મજૂરો, જમીન વિહોણા ખેડૂતો અથવા ગ્રામ્ય લોકો આ યોજનામાં જોડાઇ શકે છે. જે માટે તેમના આધાર કાર્ડ, રેશન કાર્ડ, એડ્રેસ પ્રૂફ, બેંકની પાસબુકની કોપી, પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર સાથે લિંક મોબાઇલ નંબર હોવા જરૂરી છે.