અમદાવાદ અને વડોદરાને આજે નવાં મહિલા મેયર મળ્યાં છે. અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનની અને વડોદરાનાં મહિલા મેયર તરીકે પિન્કીબેન સોનીની વરણી કરવામાં આવી છે.
અમદાવાદ-વડોદરાને મળ્યાં નવાં મહિલા મેયર
છેલ્લા ઘણા સમયથી મનપાના નવા પદાધિકારીઓની નિમણૂકને લઇને અનેક તર્કવિતર્ક ચાલતા હતા ત્યારે હવે તેનો અંત આવ્યો છે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરવામાં આવી છે.આજે સવારે 11 વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર તરીકે પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણી પર મહોર લગાવવામાં આવી છે.
વડોદરા મહાનગર સેવા સદનના મેયર, ડે.મેયર અને સ્થાયી સમિતીના ચેરમેનની અઢી વર્ષની ટર્મ તા.9 સપ્ટેમ્બરે પૂરી થઈ છે. ત્યારે આજે મેયર કરીકે પિન્કીબેન સોનીના નામની જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની નિમણૂક કરવામાં અવી છે. સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન પદે ડો. શિતલ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી છે. તો બીજી તરફ શાસક પક્ષના નવા નેતા મનોજ પટેલ બન્યાં છે.
અમદાવાદના નવાં મેયર બન્યાં પ્રતિભા જૈન
Ahmedabad gets new Mayor: વર્ષ 2024માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં રાજસ્થાનના જૈન સમાજ ધરાવતો બહોળો વર્ગ છે. શાહીબાગ વિસ્તારમાં સૌથી વધુ રાજસ્થાનીઓ અને જૈન સમાજની વધુ વસ્તી છે. જેથી પ્રથમ નાગરિક તરીકે રાજસ્થાનના જૈન સમાજને પ્રતિનિધિત્વ આપવામા આવ્યું છે. મહિલા મેયર પ્રતિભા જૈન જ્યારે અભ્યાસ કરતા જતા ત્યારે ABVPના સભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2010માં સૌ પહેલા ચૂંટણી લડ્યા હતા. સતત ત્રણ ટર્મ તરીકે તેઓ આજ દિન સુધી ચૂંટાઈ આવ્યા છે. વર્ષ 2013 અમદાવાદ શહેરના મંત્રી તરીકે પણ સંગઠનમાં કામગીરી કરી છે. ડેપ્યુટી ચેરમેન મહિલા અને બાળ વિકાસ તરીકે તેઓ રહી ચૂક્યા છે.
વડોદરાનાં નવાં મેયર બન્યાં પિન્કીબેન સોની
Vadodara gets new Mayor: વડોદરા મહાનગર સેવા સદનના આગામી અઢી વર્ષ માટે મેયર તરીકે પિન્કીબહેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતીના ચેરમેન તરીકે ડો. શિતલ મિસ્ત્રી, પક્ષના નેતા તરીકે મનોજ પટેલ (મચ્છો)ની નિમણૂંક કરવામાં આવી છે. આજે નવા ત્રણે મહત્ત્વના હોદ્દાઓ માટેના નામો જાહેર થતાં છેલ્લા કેટલાંક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. મેયર તરીકે અણધાર્યું નામ આવતા સૌ કોઇ ચોંકી ઉઠ્યા છે. નોંધનીય છે કે, દંડક તરીકેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.