પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને 30મી તારીખે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત AMTS અને BRTSની બસો પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે. અમદાવાદની બે દિવસની ટૂંકી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી માટે અંદાજે 1200 બસોની ફાળવણી કરવામાં આવી છે. જો કે આ બસોની ફાળવણીને કારણે શહેરીજનોને મુશ્કેલી ઉભી થશે. આવતીકાલે અને 30મી તારીખે પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળ સુધી લોકોને આવવા જવા માટે બસો દોડાવાશે.
અમદાવાદમાં પ્રધાનમંત્રીની બે દિવસની મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસ દરમિયાન બસમાં મુસાફરી કરતા લોકોને અન્ય વાહનનો ના છુટકે ઉપયોગ કરવો પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સભારંભમાં હાજરી આપશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી 30મી તારીખે સવારે અમદાવાદ મેટ્રો ટ્રેનનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બન્ને કાર્યક્રમમાં લાવવા તેમજ પાછા લઇ જવા માટે AMTS અને BRTS બસોની ફાળવણી કરવામાં આવી છે.
AMTS અને BRTSની 1200 બસોની ફાળવણી
અમદાવાદના શહેરના તમામ વિસ્તારમાંથી લોકોને આયોજન સ્થળ સુધી લઇ જવા માટે તેમજ ત્યાંથી પરત લઇ આવવા માટે આ બસોની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના 29મી તારીખના નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં લગભગ 400 જેટલી બસોની ફાળવણી કરવામાં આવી છે જયારે 30મી તારીખના મેટ્રોના ઉદ્ઘાટનમાં 800 જેટલી બસો ફાળવવામાં આવશે. આ બસોની ફાળવણી કરવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.

આ બસોનુ સંચાલન કરવા માટે અમદાવાદ મહાનગર પાલિકાની ઈ ગર્વનન્સ વિભાગ અને AMTS વિભાગ સંયુક્ત રીતે કાર્ય કરશે. આ બસોમાટે એક અલગ કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. આ બસોનુ સતત મોનીટરીંગ કરવામાં આવશે. નોંધનીય છે કે આ વર્ષના અંત પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય પ્રધાનમંત્રીનો આ ગુજરાત પ્રવાસ ખાસ મનાઈ રહ્યો છે.