ઈસુદાન ગઢવી ખંભાળીયાથી લડશે ચૂંટણી: ગુજરાત વિધાનસભા નજીક આવતા દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે આજે ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામનું 16મુંલિસ્ટ બહાર પાડ્યું છે. 16મું લિસ્ટ જાહેર કરી ઈસુદાન ગઢવી તેમજ નકુમ લખમણભાઈ બોઘાભાઈના નામને જાહેર કરી દેવામાં આવ્યા છે.
ઈસુદાન ગઢવી ખંભાળીયાથી લડશે ચૂંટણી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ઇસુદાન ગઢવી જામ ખંભાળીયથી ચૂંટણી લડશે. પાર્ટી કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરા કરી હતી.
ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ત્યારે દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તો ઘણા સમય પેહલાથી ઉમેદવારોના નામની ઘોષણા કરવાનું શરૂ કરી દીધું હતું. એક બાદ એક લિસ્ટ બહાર પાડી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જનતા સમક્ષ મૂકી રહી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ 16મું લિસ્ટ બહાર પાડી 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આપનો મુખ્યમંત્રીનો ચહેરો એટલે કે ઈસુદાન ગઢવી ખંભાળિયાથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વિટ
કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષોથી અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવી જામ ખંભાળિયામાંથી ચૂંટણી લડશે! ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ પરથી ગુજરાતને નવા અને સારા મુખ્યમંત્રી મળશે. જણાવી દઈએ કે, ઇસુદાન ગઢવી આવતી કાલે સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવા જશે.
કોણ છે ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવી (Who is Isudan Garhvi) ગુજરાતની પ્રજા માટે કોઈ નવું નામ નથી. પત્રકારિતાના ક્ષેત્રે તેમણે ગુજરાતની જનતામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે અને હવે તેમણે રાજકારણમાં ડગલુ માંડ્યું છે. ઈસુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી, 1982ના દિવસે જામખંભાળીયાના પિપળીયા ખાતે થયો હતો. તેમના પિતાનું નામ ખેરાજભાઈ ગઢવી છે. તેમનો જન્મ એક સામાન્ય ચારણ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. 40 વર્ષીય ઈસુદાન ગઢવીએ વર્ષ 2005માં ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે. તેમની અંદાજિત માસિક આવક રૂ. 1 લાખની આસપાસ છે.
AAPએ ઉમેદવારોના નામનું 16મું લિસ્ટ જાહેર કર્યું
વિધાનસભાનું નામ | ઉમેદવારનું નામ |
---|---|
81 ખંભાળિયા | ઈસુદાન ગઢવી |
82 દ્વારકા | નકુમ લખમણભાઈ બોઘાભાઈ |
